દરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે.
આ એક એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઇમમાં જીવ્યો હશે. આ કથા ટોળટીખળ, મોજમસ્તી કરતાં થોડાંક ચંચળ રેન્ડિયર્સની છે. આ અડવીતરાં રેન્ડિયર્સને અભ્યાસ નામની નદીકિનારે જઈને જ્ઞાનનું જળ પીવાની હોંશ છે. તેમને ખબર છે કે પરીક્ષા નામનો મગર મોં ફાડીને બેઠો છે, પણ આ હરણો પોતાની ચંચળતા ત્યજી નથી શકતાં. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી.
આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો.
Weight | 160 g |
---|