શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે રડી દેવાય અથવા બોલી દેવાય… પરંતુ બને ત્યાં સુધી આ પરિસ્થિતિ ટાળવી. જ્યારે મન ભરાઈ જાય, ડૂમો ભરાઈ આવે, પીડા કે દુઃખ ખૂબ જ હોય ત્યારે એકલા રહેવું. પોતાના ખોબામાં રડી લેવું, પણ બને ત્યાં સુધી કોઈનો ખભો ન માગવો. આ અહંકારની વાત નથી, સ્વમાનની વાત છે.
[ પુસ્તકના ‘આંસુ વહાવતાં પહેલાં ઓળખી લો’ લેખમાંથી ]
સ્વતંત્રતાનો અર્થ છે પોતાનું તંત્ર. આ પોતાનું તંત્ર ચલાવવા માટે એકલવાયા કે એકલપેટા ન રહી શકાય. દુનિયાના દરેક તંત્રને મંત્રની જરૂર પડે છે અને સ્વતંત્રતાનો મંત્ર છે સહકાર, સહભાગ અને સહઅસ્તિત્વ. દુનિયાનું કોઈ અસ્તિત્વ એકલું ટકી શકતું નથી. કોઈ ઍક્ઝિસ્ટન્સ એકલું ટકી શકતું નથી. દરેકે બીજા પર આધારિત રહેવું પડે છે. જ્યારે આધારિત હોવાની વાત આવે ત્યારે સ્વતંત્રતાનો આપોઆપ છેદ ઊડી જાય છે પરંતુ અહીં કશું જુદું બને છે. પરસ્પર સ્વતંત્ર રહીને પરસ્પર આધારિત રહેવું એને જ કહેવાય, સહઅસ્તિત્વ.
[ પુસ્તકના ‘ફ્રીડમ : મારું, તમારું ને અન્યનું’ લેખમાંથી ]
મોટા ભાગની સ્ત્રીઓ પોતાના જીવનની નાની નાની બાબતો, સુખ-દુઃખ, સંતાનો વિશેની સમસ્યા કે પતિ સાથેના નાના-મોટા ઝઘડા કે સાસરિયાં વિશેની ફરિયાદો પોતાની બહેન કે બહેનપણી સાથે શૅર કરતી હોય છે. આપણને નવાઈ લાગે એટલી હદે અંગત ચર્ચાઓ બે સ્ત્રીઓ વચ્ચે થતી હોય છે. આ અંગત ચર્ચાને હથિયાર બનાવીને કે ચાવી બનાવીને જ્યારે કોઈ પોતાની જ બહેનપણીના પરિવારમાં છીંડું પાડે ત્યારે એને શી સજા કરી શકાય – એ સવાલનો કોઈ જવાબ નથી.
[ પુસ્તકના ‘લોગોં કી બાત નહીં હૈ, યે કિસ્સા હૈ અપનોં કા’ લેખમાંથી ]
Weight | 178 g |
---|